એક પતિ-પત્ની હતાં. બંને એકબીજાથી ખુશ હતાં, એક બીજાને પ્રેમ કરતાં હતાં. પતિ ખૂબ મહેનત કરતો. કંઈક સારું થાય એટલે પત્ની તેના માટે બુકે લાવતી. પતિને સારું લાગતું પણ તેને હંમેશાં કંઈક ખૂટતું હોય એવું લાગતું. કંઇક સારું થાય એટલે પતિને ખબર પડી જતી કે આજે મારી પત્નીએ મારા માટે બુકે લીધો હશે. હું ઘરે જઈશ એટલે એ મને આપશે. હું એને થેન્ક યુ કહીશ. અનેક વખતની જેમ પતિએ વધુ એક વખત ફોન પર ખુશખબર આપ્યા. એ ઘરે જતો હતો ત્યારે એ જ દર વખતનું બુકે આપવાનું દૃશ્ય તેની નજર સામે ખડું થતું હતું. એ ઘરે પહોંચ્યો ત્યારે બુકે ન હતો. પતિને આશ્ચર્ય થયું પણ એ કંઈ જ ન બોલ્યો. થોડી જ વારમાં પત્નીએ નજીક આવી પતિના બંને હાથ નજાકતથી પોતાના હાથમાં લીધા. આંખમાં આંખ પરોવીને કહ્યું કે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારું ગૌરવ છે. હું ખૂબ ખુશ છું. પતિની આંખો ભીની થઈ ગઈ. મને બુકે નહીં, આ જ જોઈતું હતું. આવો અહેસાસ આપણે આપીએ છીએ?
આપણે ક્યારેય આપણી વ્યક્તિને એવું કહીએ છીએ કે હું તારાથી ખુશ છું. તું બહુ સારી છે કે તું બહુ સારો છે. મને તારો ગર્વ છે. આપણી વ્યક્તિ જ્યારે ટેન્શનમાં હોય ત્યારે આપણે કહીએ છીએ કે કંઇ ચિંતા ન કર, હું દરેક સંજોગોમાં તારી સાથે છું. જરાય નબળો ન પડ. કંઈ જ ખરાબ નથી થવાનું. મને ખબર છે કે તારામાં તાકાત છે. આપણે જો આપણી વ્યક્તિને જ નબળી સમજીએ તો એ વધુ નબળી પડી જવાની છે....
Thanks for visit