-->
Type Here to Get Search Results !
image

*** મરદ મહાદેવ ! ***

*** વાતૉનો ટુંકકસાર ***
     
                        પ્રસ્તુત વાર્તા માં મહાદેવ નામનો નવપરિણીત યુવાન પોતાની પત્ની લાડબાને તેડવા જાય છે. પરત ફરતા રસ્તામાં લુટારુઓ થી ભેટો થાય છે,પોતાની પત્ની ની સાથે સાથે એક અજાણી બાઈની પણ રક્ષા કરે છે,વાત નાની છે પણ દિવા જેવી અજવાળું કરી દે એવી છે જે આપસૌને જરૂર ગમશે.

*** મરદ મહાદેવ ! ***


                      *** મરદ મહાદેવ ! ***

                          " અરે બેટા ! જલ્દી કરો જો આ દાડો તો નમી જયો ! શિયાળો અને વીયાળો ઉઠતા આઠ ને બેસતા બાર ! " લાડબાની મા બોલ્યા
"આ થોડી જ વાર ! હવે વધારે મોડું નહીં કરું ! " ત્યાં તો ઓસરીમાંથી મહાદેવે સુર પુરાવ્યો
"વધારે વાર થશે તો દાડો અહીંયા જ આથમશે ! દસ ગાઉ નો મારગ છે ઝટ કરો હવે ! "
મહાદેવ પોતાની વહુ લાડબાને પિયર તેડવા આવ્યો છે શિયાળાનો સમય છે ટાઢ પણ પોતાની ભર જુવાનીના ઉંબરે આવી ઊભી હોય એમ પોતાનો ચમકારો હજુ સુધી બતાવી રહી છે એ સમયમાં સાધનની કોઈ સગવડ ન હતી, અવરજવર માટે ઊંટ,ઘોડા,ગધેડા કે બળદગાડું પરિવહનના મુખ્ય આધાર હતા. લાડબાના બાપુ પાસે પણ એક બળદગાડું હતું એ પણ લાડબાના કાકા કોઈ કામ અર્થે ખેતરે લઇ ગયા હતા એટલે પગપાળા જવાનું હતું.

                 મહાદેવ નું ગામ ધનપુરા અને લાડબા નું વડુંચા ગામ ! બંને ગામ વચ્ચે દસ બાર ગાઉનું અંતર, બંને ગામની વચ્ચે બનાસ નદી વહે વડુંચા ગામ થી આથમણે સામઢી નામે ગામ છે ત્યાં ની પ્રજા "સામઢી" તરીકે ઓળખાય અને આ "સામઢી" એટલે એ વિસ્તારના પ્રખ્યાત લૂંટારા "સામઢી"ના ડરને લીધે લાડબાની મા એમને ઘરે થી જલ્દી રવાના કરવા માગે છે થોડી વાર થઇ એટલીવારમાં તો ઉંબરો ઓળખતા જ પોતાનો જમણો પગ ઓસરી માં મૂકતાં લાડબા બોલી "લ્યો ! હવે હું તૈયાર છું."
મહાદેવ પૂંઠવાળી જોયું તો લાડબા તેને અડીને જ ઉભી હતી કાળું કપડું, રાતા રંગનો કબજો લાડબાના રૂપ ને વધુ ને વધુ ઉજાગર કરતા'તા. કાળી પડી ગયેલી કાંટાળી જૂની વાડમાં ચણોઠી ની રાતાશ ઉડીને આંખે વળગે એમ લાડબાએ ઓઢેલ કાળા કાપડામાં થી આછા આછા રાતા ફૂલ ની ભાત ચોખ્ખી કળાતી હતી, લાડબા ની મસ્ત મોરલા ની ડોક જેવા ગળામાં ભારે વજનદાર ચાંદીનો અછોડો પહેર્યો છે, નાકમાં હેમની નથણી, હાથની દસે આંગળીએ વેઢ, પગમાં રાશવા ભોય છેટેથી જ સંભળાય એવા ઝાંઝર પહેર્યા છે, કેડેે કેડજુડો ઘૂઘરીવાળો ! કમર ને સહેજ લચક આપી ઘૂઘરી ખખડાવી લાડબા ઠાવકાઈથી બોલ્યા ( મહાદેવ તરફ નજર નાખી ને)
" હાલો ને હવે ! આમ તો ક્યારનાયે ઉતાવળ કરતા હતા ને હવે શું થયું ? "
મહાદેવ તરત જ બોલ્યો," એ આવી જ ગયો હમજો ! આ જરા હોકાનો છેલ્લો એક સડાકો મારી લઉં ! " ઘડીક વારમાં મહાદેવ એક સડાકો મારી હોકો ગગડાવી ઉભો થયો ઓસરીના ત્રણ પગથિયાં નીચે ઉતરી બહાર આવ્યો જોયું તો ક્યારનાએ બધા તૈયાર થઈ ઊભા હતા લાડબા ની માં બોલ્યા " લાડબા ! આવજે બેટા અને સાચવીને જજે ! " આંખમાં આંસુ સાથે માં, બાપુ અને ફળિયાના ત્રણ-ચાર બૈરાઓએ વિદાય આપી. લાડબા ને મહાદેવ પણ ચાલતા થયા મહાદેવ આગળ ને લાડબા પાછળ. આ બાજુ લાડબાની માં હજુ સુધી માર્ગ વચ્ચે ઊભા છે બંનેને જતા જોઈ રહ્યા છે લાડબા પણ દસ ડગલા માંડી કપડાની સોડ પાછી કરી લમણો વાળી મા ને જોતી જોતી આગળ વધે છે, બંને જેવા થોડાક જ આગળ ચાલે છે તો સામેથી મારગની જમણી બાજુએથી વાછરડી દોડતી ઉછળકૂદ કરતી સામે મળી તરત જ મહાદેવ બોલ્યો, "વાહ મારી માવડી ! શુકન તો લાખ રૂપિયા જેવા અલ્યા ! ફરી પાછો વળી લાડબાને ઇશારો કરતાં કહ્યું "ચાલો ઝટ ! વેળાસર પહોંચી જઈએ !  શુકન સારા થયા એટલે ભો ટળ્યો ! " લાડબાની માં પણ પેલી વાસડીને આવતી જોઈ શુકન સારા થયા એવું જોતાં એમના કાળજે ટાઢક વળી થોડીવાર હજુ સુધી બંને ને જોતા ઊભા છે હવે થોડું છેટું પડતાં મહાદેવ લાડબા આછા આછા દેખાતા'તા હતા એટલે લાડબા ની માં ઘેર પાછા ગયા.

              શિયાળાની ઋતુ છે બપોરના બારેક થવા આવ્યા છે સુરજ બરાબર માથે આવી ગયો છે માંડ માંડ હવે ટાઢનુ જોર ઓછું થયું છે પણ તડકાનો ગરમાવો જોઈએ એવો અનુભવાતો નથી. આમને આમ મહાદેવ અને લાડબા દોઢ-બે ગાઉ નું અંતર કાપવા થયા છે મારગ હવે વધારે ને વધારે શાંત થતો જાય છે લાડબાની કેડે લગાવેલો કેડજુડો અને પગની ઝાંઝરી નો છમ છમ છમ અવાજ આવે છે આગળ મહાદેવ પણ મોજડી નો સૈડકો બોલાવતો ચાલ્યો જાય છે માથે ધાનધારી પાઘડી છે, લાંબી બાંયનુ પહેરણ, ધોતિયું પહેર્યું છે, કેડે સાલનુ કેડીયુ બાંધ્યું છે,  એમાં વાસળી ખોસેલી છે. હા મહાદેવને વાંસળી વગાડવાનો શોખ ખરો ! ખેતરે જતા આવતા, ભેંસો ગાયો ચરાવતા જતા, બળદથી હળ હાંકતો હોય ત્યારે મહાદેવની વાંસળી પણ એની સાક્ષી રહેતી. વાસળી વાગતી જરાક સંભળાય એટલે આજુબાજુવાળાને ખબર પડી જતી કે મહાદેવ કામે લાગ્યો છે અને ખરેખર ! મહાદેવ ની વાંસળી પણ એવી વાગતી ! એમાં પણ જો વાંસળીમાં પેલું "માર હાકો મેવાસી વણઝારા !! અને ઊંચી રે... ચડું ને નીચી...ઉતરુ રે...." ગીત વાગતું હોય એટલે ભલભલા ભાયડા પણ હળ હાંકતા હાંકતા રાસ ખેંચી તાણી બળદ ઉભા રાખી એકીકાને સાંભળતા ! ગામ ની બાયો પણ કૂવે પાણી ખેંચતી ખેંચતી લમણોવાળી ઉભી રહી જતી અને વાંસળી સાંભળતી.

         મહાદેવ, લાડબા વધુ એક ગાઉ અંતર કાપે છે ત્યાં તો મહાદેવ ખોખારો ખાઈ હાથમાં સાત ગાંઠોવાળી તાંબાના તાર વીટાળેલી લાકડી હતી એ બગલમાં દબાવી કેડે ખોસેલી વાંસળી હાથમાં લીધી અને મંડ્યો એના સુર રેલાવવા... મહાદેવ ની વાંસળી ના મીઠડા સૂર , પગમાં પહેરી મોજડી નો સૈડકો અને એમાંય લાડબાની કેડે ખોસેલા કેડજુડોની ઘૂઘરીઓનો છમકોરો ! બધાનો એવો તાલ મળતો હતો જાણે સન્મુખ લોકગીત મારગ વચ્ચે રાહડા લેતું હોય ! આમ તાલમાં ને તાલમાં મહાદેવ વાંસળીના સૂરમાં ચાર-પાંચ ગીતડા છેડી દીધા. ઘણું અંતર પણ કાપી નાખ્યું હતું પણ મહાદેવ તો પોતાની ધૂનમાં મસ્ત હતો

      બપોરના બે અઢી થવા આવ્યા હતા ભથવારણો ભાથુ લઈ વાડીએ પહોંચી ગઈ છે ખેડૂતો પણ હવે હળ છોડી ભાથુ ખાવા બેઠા છે ખેતર ના શેઢે ગરમાવો માણવા તડકા માં જ !
"લ્યો ! હવે તમારી વાસળીને વિસામો આપો વાંસળીના ગીતડાં થી પેટ થોડા ભરાય ? આગળ દેખાય છે એ કુવે પાણી ચાલુ છે અને બેસવાનું એ હારું છે  હેંડો ! કટકો રોટલો ખાઈ લઈએ શિયાળા નો દાડો છે ભૂખ લાગી હશે ! "
લાડબાઈ અચાનક મૌન તોડતાં કહ્યું.
"હા.. હા.. હેડો.. હેડો.. હુંયે એવું જ વિચારતો હતો મહાદેવે હોંકારો ભણ્યો.

                     આમ બંને જણે થોડું ભાથુ ખાધું , થોડો વખત વિસામો લીધો પછી બાજુમાં જ કૂવો અને એને અડીને આવેલો હવાડો હતો ત્યાં હાથ - પગ, મોં ધોયા અને ફરી પાછા પોતાના રસ્તે ચાલી નીકળ્યા. બપોરના ત્રણ-ચાર થવા આવ્યા છે હજુ તો અડધા જેવુ અંતર બાકી હતું ચાલવાનું ! હવે પછીના બે ગાઉ નું અંતર જરા અઘરું હતું અઘરું એટલા માટે કારણ કે હવે પછી છેક ચરોતર ગામ આવે ત્યારે જ માણસોની અવરજવર દેખાય અને માર્ગ પણ ઉઘાડો આવે એક તો આટલેથી માર્ગ એકલપંડે એવો સુમસામ હતો અને એમાં તો નેળીયુ હતું દૂર દૂર સુધી કોઈ માણસ ના દેખાય નેળીયાની બન્ને બાજુ બબ્બે માથોડુ ઉંચા માટીના પાળા હતા થોરની અડાબીડ વાડ અને ગીચ ઝાડી ઝાંખરા પણ હતા દિવસેય અહીં સંધ્યા થઈ હોય એવું ભાષતું હતું મહાદેવ-લાડબા એ નેળીયામાં ઉતર્યા, ઉતરતાં વેંત મહાદેવે લાડબાને સાનકા કરી કહ્યું "જરા સાબદા રહેજો ! પગ ઉપાડો જટ અહીંથી નીકળવું પડશે."
લાડબાએ ઓઢેલા કાપડા નો છેડો ખેંચી પહેરેલા દાગીના પર પડદો પડ્યો ગાઉ ભર્યા ચાલ્યા ત્યાં રસ્તો વધુ ને વધુ ભેંકાર લાગવા માંડયો હતો એકલદોકલ માણસ તો ખરા બપોરે પણ બી મરે એવો ભૂતાવળના વાસ જેવો ! મહાદેવ ચાલતા ચાલતા રસ્તાની સામે નજર કરી જોયું તો સામે ચાર રાશવા છેટે નેળીયાની ડાબી બાજુ પાળ ચાર આદમી પર બેઠા હતા દૂરથી જોવા મળ્યું તો એમાં ત્રણ નવજુવાન જેવા લાગતા હતા અને એક ઢળતી ઉંમરવાળો લાગતો હતો બધા પાસે લાકડીઓ હતી  મહાદેવ લાડબાને આવતા જોઈ તે સરરસટ પાળા પરથી નીચે ઉતરવા લાગ્યા લાડબા તરત જ અણસાર પામી ગઈ તેના મોઢામાંથી તો નીકળી ગયું " કાળમુખા ! આ તો સામઢીયા નક્કી આજે કંઈક અજુગતું કરશે મારા પિટયા !"
મહાદેવ લાડબા ની સામે જોયું અને જાણે ગાયોનું ધણ રોળાતુ બચાવવા એનું રખોપુ કરવા કોઈ શૂરવીર મારગ  રોકવા ઉભો હોય એમ સાંઢીયાઓ ની સામે બાથ ભીડવા સજવા લાગ્યો, સૌપ્રથમ તો કેડબંધણું જરા વધુ કસીને બાંધી દીધું, પાઘડી બે હાથ વડે માથા પર દબાવી, પગના જોડા કાઢીને ડાબા હાથમાં લીધા અને પોતાની કાળી ભમ્મર મૂછના આંકડા દેતા બોલ્યો," સામઢી થાજો મૉટી ! તમારા ચારમાંથી જો એકાદો પણ જીવતો જાય તો મારી માનું ધાવણ લાજે ! " લાડબા ને ચેતવતા કીધું "ગમે તે થાય તમારે મારાથી છેટું જ રહેવાનું મારા પાસે ન આવતા તમતમારે ચાલ્યે જ રાખવું અને કોઈ તેર તૂંગાની ફોજ સામે બાથ ભીડવાની હોય એમ મેવાડી રાજપૂતની જેમ હાથમાં લાકડી એક ચક્કર ફેરવી આગળ વધવા લાગ્યો અને સામે પણ સાચે જ સામઢીયા હતા ઢીલા - પોચાને શેના ગાંઠે !

મહાદેવ ની પાછળ પાછળ લાડવા પણ મનમાં માતાજી નું સ્મરણ કરતાં કરતાં ચાલ્યા સામઢીયા અને આ દંપતી વચ્ચે નું અંતર જેમ જેમ ઓછું થતું હતું તેમ તેમ જાણે મહાદેવને શૂર ચડતું હતું આ બજુ ચાર રાશવા છટેે  ઉભેલા સામઢી ક્યારનાયે જોઈ રહ્યા હતા મહાદેવ લાડબા હવે વધારે ને વધારે નજીક આવવા લાગ્યા હતા પહેલો સામઢી મહાદેવને જોઈ બોલ્યો "જુવાનજોધ જોડું છે આપણો આજ નો ફેરો નક્કી સુધરી જવાનો ! " બીજા બે જણ ટાપસી પુરતા બોલ્યા,"સાવ સાચી વાત છે આઘા આવવા દ્યો નહીં તો ચેતી જાશે "
એમને ક્યાં ખબર હતી કે મહાદેવ તો ક્યારનોય ચેતી ગયો છે હવે બેય વચ્ચે રાશવા ભોય જ અંતર છે અને એમાંથી પહેલો સાંભળી બોલ્યો "શરૂઆત મારાથી જ થશે ! " બીજા બે સામઢી પણ જોતરાણા પણ પેલો ઘરડો સાંમઢી હજુ સુધી કશું બોલ્યું જ નહીં પહેલા ત્રણ જુવાન લાગતાં સામઢી તૈયારીમાં પાળા પર થી વધારે નીચે ઉતરવા માંડયા મહાદેવ લાડબા હવે સામસામે આવી ગયા છે મહાદેવ પણ લાકડી જમીને ટેકવી રૂઆબ ભરી નજરે જાણે ચારેયને લલકારતો હોય એમ જોયું. પેલા ત્રણ સામઢી વધુ ગિન્નાયા અને આગળ વધવા ધશ્યા ત્યાં જ પેલો ચોથો ઘરડો સામઢી બોલ્યો "રહેવા દો અલ્યા ! આપણા પહેલા એ સજી ગયો છે,એના દિદાર પરથી લાગે છે કે એનો ઈરાદો કંઈક જુદો જ છે પણ પેલા ત્રણ જુવાન હજુ સુધી ન માન્યા અને આગળ વધવા માંડ્યા મહાદેવ પણ  પડકાર ફેંકતા બોલ્યો," સાંમઢીયાઓ ! કેડ બાંધી લો !તમારી માએ સવા શેર સૂંઠ ખાધી હોય તો હવે મારગ મેલતા નહીં ! "
ત્યાં જ વચ્ચે પેલો ઘરડો સામઢી બોલ્યો "અલ્યા ! કહુ છુ રહેવા દ્યો ! આજે આપણો નહીં, એનો દિ' છે ! નો'તું થાહે આવી જાઓ પાછા ! " આટલું સાંભળીને પેલા ત્રણેય ત્યાં જ ખીલો થઇ ગયા અને અટકી ગયા મહાદેવે પણ લાડબાને સાનકામા સમજાવી આગળ વધવા માડયા જેવા આગળ વધ્યાં ત્યાં જ મહાદેવના કાને કોઈ બાઈ માણસનો મીઠો ટહુકો સંભળાયો "ઓ.. મારા વીરા....ઉભા રહો...ઉભા રહો.. હું તમને વાટ જોવા નું કહ્યું હતું ને તમે ચાલી નીકળ્યા ? " મહાદેવ લાડબા પૂંઠવાળી જોયું તો પોતાની જ ઉમરની એક બાઈ ઉપડતા પગે દોડતી દોડતી આવે છે પેલી બાઈ અને આ દંપતી વચ્ચે પેલા સાંમઢીયા તો ખરા જ ! પણ એમ મહાદેવ થોડી કોઈ બેન દીકરીની લાજ જવા દે ! મહાદેવે પણ સાદ દિધો ,"હું તો ક્યારનોય વાટ જોઈ જોઈને થાક્યો તમે ક્યાં રોકાઈ ગયા હતા ? "
"હું તો કહું હમણાં ઉભા રે... હમણાં ઉભા રે....પણ તમે તો ચાલ્યા તે ચાલ્યા દોડી-દોડી મારો તો શ્વાસ ધમણ થયો પણ તમે તો ના ઉભા ર્યા તે ના જ ઉભા યૉ ! " હાંફતા હૈયે બાઈ બોલી.

               બાઈ હવે વધારે નજીક આવી છે પેલા ચાર સાંમઢીયાઓ ને ફરી લાલચ જાગી બાઈ એ પણ હેમના બધા જ દાગીના પહેરેલા છે ફરી તેઓ ઊભા થયા ત્યાં ફરી મહાદેવ પડકાર કર્યો, "એ... બેન આવતી રે..‌‌ તારી વાટ જોઈને આટલા સુધી આવ્યો છું...આવી જા ડર્યા વગર..." સાંઢીયો ની લાલચ પર મહાદેવ પાણી ફેરવો તો એમ બોલ્યો. સાંમઢીઓને પણ એમ લાગ્યું કે આ બાઈએ પણ પેલા જુવાન સાથે જ છે પણ આ બાઈને તો મહાદેવ કે લાડબા કોઈ ઓળખતા જ નહોતા, પણ બાઈ ના ટહુકા ઉપરથી મહાદેવ બધો જ તાગ મેળવી લીધો હતો મહાદેવ પૂંઠવાળી ત્યાં જ ઊભો છે એવું લાગતાં સાંમઢીયા ફરી ઢીલા પડી ગયા એમને લાગ્યું આજે આપણો મેળ પડવાનો નથી.

પેલી બાઈ દોડતી દોડતી હવે લાડબા મહાદેવને આંબી. ત્રણે જણ પગ ઝડપથી ઉપાડતા ચાલવા લાગ્યા પેલી ભાઈ હવે જાણે લાચાર થઇ હોય એમ નીચું મોઢું રાખી અણબોલ્યે ચાલતી હતી આ જોઈ મહાદેવ બોલ્યો," શરમા મત બેન  હું કાય શંખણીનું ફરજન નથી કે તને આમ નોધારી ચાલી જઉ ! બોલ શું વાત છે ? "
"મારા માં જણ્યા વીર ! બાજુના ગામ ની વાણીયાણ છું ચડોતર જવું છે, વડુંચા સોનીને ત્યાં પૈસા આપવા ગઈ તી દાગીના લાવી, નીકળી હતી તો નમતા બપોરે પણ કોઈનો હાથ ના મળ્યો એટલે વાટ જોવામા ને જોવામાં મોડું થઈ ગયું, તમને બે માનવીને જોઈ બૂમ પાડી, સાંમઢીયા જોઈ તો મારા મનમાં ધ્રાસકો પડ્યો તો ! તમે આવા ટાણે ઉભા રહી મારો હાથ કરી, મારી આબરુ રાખી ! ચાલો ચાલો મારા ઘેર ! મારા વીરા ! આથી તમે મારા વીર આજની રાતનો વાસો તો મારા ઘેર જ !

                   આ બાજુ પેલા ચાર સાંમઢીયા પોતાનો બદ્દ ઈરાદો જિંદગીમાં પહેલીવાર અફળ ગયો એ જાણી ડઘાઈ ગયેલી નજરે મારગની પાળ પર જ ઊભા ઊભા પેલા ત્રણ જણને જોઈ રહ્યા હતા ત્યાં જ પેલો  ઘરડો સાંમઢી બોલ્યો "મરદ છે હો ભાઈ મરદ...."

                   ❤❤❤❤❤❤❤❤❤❤❤
Click here 👉👉https://kddabhi.blogspot.com/

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.