-->
Type Here to Get Search Results !
image

ભગવાન દત્તાત્રેય

ભગવાન દત્તાત્રેય : ઈશ્વર અને ગુરુનું એકાકાર સ્વરૂપ

ભગવાન દત્તાત્રેય


દત્તાત્રેયમાં ઈશ્વર અને ગુરુ એમ બંને રૂપ સમાયેલાં છે, તેથી જ તેમને 'પરબ્રહ્મમૂર્તિ સદ્ગુરુ' અને 'શ્રી ગુરુદેવદત્ત' પણ કહેવામાં આવે છે. તેમને પરમ યોગી, સાધક, ગુરુવંશના પ્રથમ ગુરુ અને વૈજ્ઞાનિક પણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારાના વિલય માટે જ તેમનો જન્મ થયો હતો. ત્રણેય સંપ્રદાયના લોકોની તેમના પર આસ્થા છે અને તેથી જ માગશર સુદ પૂનમના દિવસે દત્તાત્રેય જયંતીની તેઓ ધૂમધામપૂર્વક ઉજવણી કરે છે

તંત્ર સાથે જોડાયેલા હોવાને કારણે દત્તાત્રેયને નાથ પરંપરા અને સંપ્રદાયના અગ્રજ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયે વેદ અને તંત્ર માર્ગનો વિલય કર્યો હતો. આ સિવાય તેમણે બ્રહ્મવિદ્યાનો પણ પ્રચાર કર્યો હતો. દત્તાત્રેય ઉપર બે મુખ્ય ગ્રંથ છે. એક 'અવતાર ચરિત્ર' અને બીજો 'ગુરુ ચરિત્ર'. આ બંને ગ્રંથોને વેદતુલ્ય માનવામાં આવે છે. દત્તાત્રેય જયંતી પૂર્વે ભક્તો ગુરુ ચરિત્રનો પાઠ કરે છે. તેમાં કુલ ૫૨ અધ્યાયમાં ૭૪૯૧ પંક્તિઓ છે. તેમાં શ્રીપાદ, શ્રીવલ્લભ અને શ્રીનરસિંહ સરસ્વતીની લીલાઓ અને ચમત્કારોનું વર્ણન છે. શ્રી રંગ અવધૂત પણ ભગવાન દત્તાત્રેયના પરમ ભક્ત હતા. તેમણે રચેલી દત્તબાવની આજે દરેક મુખે પહોંચી ગઈ છે. જેમાં ભગવાન દત્તાત્રેયની લીલાઓનું વર્ણન છે.

દત્તાત્રેયના જન્મની કથાઓ
બ્રહ્માંડ પુરાણમાં વર્ણિત કથા અનુસાર સત્યયુગમાં ગુરુ ઉપદેશ પરંપરા ક્ષીણ તથા શ્રુતિઓના લુપ્તપ્રાય થવાને કારણે પોતાની વિલક્ષણ સ્મરણ શક્તિ દ્વારા તેના પુનરુદ્ધાર તથા વૈદિક ધર્મની પુનઃ સ્થાપનાના હેતુથી ભગવાન શ્રી વિષ્ણુએ દત્તાત્રેય સ્વરૂપે માગશર સુદ પૂનમના દિવસે સતી અનસૂયાને ત્યાં જન્મ લીધો.

એક સૌથી વધારે પ્રચલિત કથા અનુસાર નારદજીના મુખે મહાસતી અનસૂયાના સતીત્વની પ્રશંસા સાંભળીને ઉમા, રમા અને સરસ્વતીને ઈર્ષ્યા થઈ અને તેમણે પોતપોતાના પતિઓને અનસૂયાના પતિવ્રત અને સતીત્વની પરીક્ષા કરવા માટે મહર્ષિ અત્રિના આશ્રમમાં મોકલ્યા. અત્રિ ઋષિ આશ્રમમાં નહોતા ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે સાધુનો વેશ ધારણ કર્યો અને આશ્રમમાં પહોંચીને ભિક્ષા માગવા લાગ્યા.

અતિથિ-સત્કારની પરંપરા અનુસાર સતી અનસૂયાએ ત્રણે સાધુઓનું સ્વાગત કરીને તેમને ભોજન માટે નિમંત્રણ આપ્યું, પરંતુ સાધુવેશધારી ત્રિમૂર્તિઓએ કહ્યું, "હે સાધ્વી, અમારો એક નિયમ છે. તમે નિર્વસ્ત્ર થઈને ભોજન પીરસશો તો જ અમે ભોજન કરીશું."

તેથી સતી શિરોમણી અનસૂયાએ પોતાના સતીત્વની અમોઘ શક્તિના પ્રભાવથી સાધુવેશધારી ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ)ને નવજાત બાળક બનાવીને વાત્સલ્ય ભાવે દૂધ-ભાત ખવડાવ્યાં અને પોતાના ખોળામાં સૂવડાવ્યા. ત્રણેય બાળકો ગાઢ નિદ્રામાં સૂઈ ગયાં. ત્યારબાદ અનસૂયાજીએ ત્રણે બાળકોને પારણામાં સૂવડાવી દીધાં.

ત્રણેય દેવીઓ પોતાના પતિ ઘણો સમય વીતવા છતાં પરત ન ફરતાં તેમને શોધવા માટે મહર્ષિ અત્રિના આશ્રમે પહોંચી. તેમણે અનસૂયાજીને પોતાના પતિને પરત સોંપવા જણાવ્યું. ત્યારે અનસૂયાજીએ ત્રણે દેવીઓને પ્રણામ કરીને કહ્યું, "માતાઓ, આ પારણામાં સૂતાં બાળકો તમારા પતિ હોય તો તમે તેમને લઈ જઈ શકો છો."

ત્રણે દેવીઓ મૂંઝવણમાં મુકાઈ, કારણ કે ત્રણે બાળકો એકસમાન લાગતાં હતાં અને ગાઢ નિદ્રામાં હતાં. આમ, પોતાના પતિની ઓળખ કરવાનું કામ ત્રણે દેવીઓને કઠિન લાગ્યું. આખરે ત્રણે દેવીઓની ક્ષમાયાચના તથા પ્રાર્થના સાંભળીને બાળક બનેલા ત્રિદેવોને ફરીથી પોતાનું અસલી સ્વરૂપ પ્રદાન કર્યું. આ ત્રણેય દેવોએ અત્રિ-અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે જન્મવાનું વચન આપ્યું. બ્રહ્માજીના અંશમાંથી રજોગુણપ્રધાન સોમ, વિષ્ણુના અંશમાંથી સત્ત્વગુણ પ્રધાન દત્ત અને શંકરના અંશમાંથી તમોગુણપ્રધાન દુર્વાસાના રૂપમાં માતા અનસૂયાના પુત્ર બનીને અવતાર ધારણ કર્યો. વિષ્ણુ દ્વારા અહં તુભ્યંમયાદત્ત કહીને અવતાર ધારણ કરવાને કારણે તથા અત્રિ મુનીના પુત્ર હોવાને કારણે આત્રેય અને દત્તના સંયોગથી દત્તાત્રેય નામકરણ થયું.

મરાઠી ધર્મગ્રંથ શ્રી ગુરુચરિત્રમાં વર્ણિત છે કે યજ્ઞોપવીત સંસ્કાર બાદ સોમ અને દુર્વાસાએ પોતાનું સ્વરૂપ તથા તેજ દત્તાત્રેયને પ્રદાન કરીને તપસ્યા કરવા માટે વનમાં પ્રસ્થાન કર્યું. તેથી ત્રિગુણાત્મક, ત્રિમૂર્તિ અને ત્રિશક્તિ સંપન્ન ત્રિદેવનું એકીકૃત સ્વરૂપ બન્યા દત્તાત્રેય. પોતાના બંને પુત્રો બ્રહ્મા (સોમ) અને મહેશ (દુર્વાસા)ના વિયોગથી દુઃખી સતી અનસૂયાના દુઃખને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સ્વરૂપને ત્રણ રૂપમાં ધારણ કર્યું હતું. ભગવાન દત્તાત્રેય પ્રાતઃકાળે બ્રહ્માજીના રૂપમાં, મધ્યાહ્ન સમયે વિષ્ણુજીના રૂપમાં અને સાંજના સમયે શંકર ભગવાનનાં રૂપમાં દર્શન આપતા હતા.

માર્કંડેય પુરાણમાં દત્તાત્રેયની ઉત્પત્તિ કથા પ્રમાણે એક કોઢી બ્રાહ્મણની સ્ત્રી પતિવ્રતા અને સ્વામિભક્ત હતી. એક વાર તે બ્રાહ્મણ એક વેશ્યા પર આસક્ત થઈ ગયો. તેની આજ્ઞા અનુસાર તેની પતિવ્રતા પત્ની તેને પોતાના ખભા પર બેસાડીને અંધારી રાત્રે તે વેશ્યાના ઘરે જવા નીકળી. રસ્તામાં માંડવ્ય ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. અંધારામાં કોઢી બ્રાહ્મણનો પગ તેમને વાગ્યો. જેથી તેમની તપસ્યામાં ભંગ પડયો. જેને કારણે ક્રોધવશ તેમણે શાપ આપ્યો કે જેનો પગ મને વાગ્યો છે તે સૂર્યોદય થતાંની સાથે જ મૃત્યુ પામે. સતી સ્ત્રીએ પોતાના પતિની રક્ષા કરવા અને વૈધવ્યથી બચવા માટે કહ્યું, "જાઓ સૂર્યોદય જ નહીં થાય." જ્યારે સૂર્યનો ઉદય ન થયો અને પૃથ્વીના નાશની શક્યતા વર્તાવા લાગી ત્યારે બધા દેવતાઓ મળીને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમને અત્રિ મુનીની પત્ની અનસૂયા પાસે જવાની સલાહ આપી. દેવતાઓ અનસૂયા પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા, તેથી અનસૂયાજીએ જઈને તે બ્રાહ્મણની પત્નીને સમજાવી અને કહ્યું કે, "તું સૂર્યોદય થવા દે. તારા પતિને મૃત્યુ પામતાંની સાથે જ હું ફરીથી તેને સજીવન કરી દઈશ અને તેનું શરીર પણ નિરોગી થઈ જશે." તેણે અનસૂયાજીની વાત માની લીધી. ત્યારબાદ સૂર્યોદય થયો અને મૃત્યુ પામેલા બ્રાહ્મણને અનસૂયાજીએ ફરીથી જીવતો કર્યો. દેવતાઓએ પ્રસન્ન થઈને અનસૂયાજીને વરદાન માગવા કહ્યું. અનસૂયાજીએ વરદાન માગ્યું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય મારા ગર્ભથી જન્મ લે. બ્રહ્માજીએ આ વાતનો સ્વીકાર કર્યો અને ત્યારબાદ બ્રહ્માજીએ સોમ, વિષ્ણુ ભગવાને દત્તાત્રેય અને મહેશ્વરે દુર્વાસા બનીને અનસૂયાના ઘરે જન્મ લીધો. જ્યારે હૈહયરાજે અત્રિને બહુ કષ્ટ પહોંચાડયું ત્યારે દત્તાત્રેય ક્રોધિત થઈને સાતમા દિવસે જ ગર્ભમાંથી નીકળી આવ્યા.

દત્તાત્રેયના ચોવીસ ગુરુ
ભાગવત અનુસાર ભગવાન દત્તાત્રેયે જીવનમાં ઘણાં લોકો પાસેથી શિક્ષા લીધી છે. તેમણે અન્ય પશુઓનાં જીવન અને તેમના કાર્યકલાપો દ્વારા શિક્ષા ગ્રહણ કરી છે. દત્તાત્રેયજીએ કહ્યું છે કે જેનામાંથી જેટલા-જેટલા ગુણ મળ્યા છે તેમને તે ગુણોના પ્રદાતા માનીને મેં તેમને મારા ગુરુ માન્યા છે. આમ તેમણે ચોવીસ ગુરુ કર્યા છે. આ ચોવીસ ગુરુ છે- પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સાગર, પતંગિયું, મધુકર (ભમરો અને મધમાખી), હાથી, મધુહારી (મધનો સંગ્રહ કરવાવાળી), હરણ, માછલી, પિંગળા વેશ્યા, ગીધ, બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનાર, સાપ, કરોડિયો અને ભૃંગી કીટ.

દત્તાત્રેયના શિષ્ય
સહસ્ત્રાર્જુન, કાર્તવીર્ય, ભાર્ગવ, પરશુરામ, યદુ, અલર્ક, આયુ અને પ્રહ્લાદ દત્તાત્રેય ભગવાનના શિષ્યો હતા. દત્તાત્રેયે પરશુરામને ત્રણ સંપ્રદાય (વૈષ્ણવ, શૈવ અને શાક્ત)ના સંગમસ્થળ ત્રિપુરામાં શિક્ષા-દીક્ષા આપી હતી. દત્તાત્રેયે પરશુરામજીને શ્રી વિદ્યા-મંત્ર પ્રદાન કર્યા હતા. તેમણે શિવપુત્ર કાર્તિકેયને પણ અનેક વિદ્યાઓ આપી હતી. ભક્ત પ્રહ્લાદને અનાસક્તિ-યોગનો ઉપદેશ આપીને શ્રેષ્ઠ રાજા બનાવવાનું શ્રેય પણ ભગવાન દત્તાત્રેયને જ જાય છે.

દત્તાત્રેયનું સ્વરૂપ
દત્તાત્રેય ત્રિમુખ, ષડ્ભુજ, ભસ્મભૂષિત અંગવાળા, ત્રણ મસ્તક પર જટા તથા ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. ત્રિમૂર્તિ સ્વરૂપમાં તેમના નીચેના, મધ્ય તથા ઉપરના બંને હાથ ક્રમશઃ બ્રહ્મા, મહેશ તથા વિષ્ણુના છે. અહં બ્રહ્માસ્મિના પ્રતીક નીચેના જમણા હાથમાં અક્ષરમાળા (જપમાળા) તથા પ્રજ્ઞાનં બ્રહ્મના પ્રતીક નીચેના ડાબા હાથમાં કમંડળ છે. તત્ત્વમસિના પ્રતીક મધ્ય જમણા હાથમાં ડમરું અને ડાબા હાથમાં ત્રિશૂળ છે. ઁ બ્રહ્મના પ્રતીક ઉપરના જમણા હાથમાં શંખ તથા ડાબા હાથમાં ચક્ર છે. ગાય સ્વરૂપ વેદમાતા ગાયત્રી પાસે અને ગાયત્રી સાધનાથી પ્રાપ્ત પુરુષાર્થ ચતુષ્ટ્ય (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) ચાર શ્વાન સ્વરૂપે તેમનાં ચરણો પાસે વિદ્યમાન છે. છ હાથ, ષડૈશ્ચર્ય (પૂર્ણ જ્ઞાન, પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ યશ, પૂર્ણ શ્રી, પૂર્ણ ઐશ્વર્ય તથા પૂર્ણ ધર્મ)નાં અને બે પગ પ્રેય અને શ્રેયનાં પ્રતીક છે.

દત્ત પાદુકા
એવી માન્યતા છે કે દત્તાત્રેય દરરોજ પ્રાતઃકાળે કાશીમાં ગંગાજીમાં સ્નાન કરતા હતા. આ જ કારણ છે કે કાશીના મણિર્કિણકા ઘાટની દત્ત પાદુકા દત્ત ભક્તો માટે પૂજનીય સ્થાન છે. આ સિવાય મુખ્ય પાદુકા સ્થાન કર્ણાટકના બેલગામમાં આવેલું છે. દેશભરમાં ભગવાન દત્તાત્રેયને ગુરુ માનીને તેમની પાદુકાને નમન કરવામાં આવે છે. દત્તાત્રેય સાથે સંબંધિત સ્થળ કે મંદિરોમાં મોટેભાગે તેમની ચરણપાદુકા જ છે. ગિરનાર અને આબુમાં પણ તેમની ચરણપાદુકા જ છે.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.